"સમાજના અનેક સામાજીક રોગો માટે કન્યા કેળવણી એ ઔષધ સમાન છે."

એ ઉક્તિને સાર્થક કરતા આપણા સર્વેના વંદનીય તથા કરુણામૂર્તિ એવા અ.નિ. સ.ગુ. મહંત સ્વામીશ્રી હરિસ્વરુપદાસજીએ દીકરીઓ માટે શિક્ષણરૂપી જ્યોત પ્રગટાવી અજ્ઞાનના અંધારાને દૂર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

આ કાર્યનું પ્રથમ ચરણ તે દીકરીઓ માટે સંપ્રદાયમાં જ રહીને શાળામાં અભ્યાસ કરી શકે તેવી સંસ્થાનું નિર્માણ કરવાનું હતું અને મહંત સ્વામીશ્રી હરિસ્વારૂપદાસજીના આ સ્વપનને મૂર્તિમંત કરવાના હેતુથી શ્રી સ્વામિનારાયણ મંદિર (નરનારાયણદેવ) પ્રાયોજીત શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મેડીકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિધામંદિરનું ભૂમિપૂજન વર્ષ 2001 માં કરવામાં આવ્યુ. સમયાંતરે વર્ષ 2006માં શાળા વિધિવત શરુ કરવામાં આવી.

અનુભવી - કાર્યશીલ - મહેનતુ તથા દેખરેખ રાખનાર, જતન કરનાર પૂ. મહંત સ્વામીશ્રી ધર્મનંદનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજીભગત, કોઠારી સ્વામી, વડીલ સંતો અને ટ્રસ્ટીમંડળના અથાક પરિશ્રમના મીઠા ફળ સ્વરૂપે આ સંસ્થા આજે પ્રગતિના સોપાન સર કરી રહી છે જેમાં ની:સ્વાર્થ ભાવે આર્થિક સહયોગ આપનાર દેશ - વિદેશના દાતાશ્રીઓનો પણ બહુમૂલ્ય ફાળો છે.

આજે આ શાળામાં ધોરણ 5 થી 8 પ્રાથમિક વિભાગ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) તથા ધોરણ 9 થી 12 (આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ - ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ) કાર્યરત છે. "શિક્ષણ - ધર્મ - સંસ્કાર" ના ત્રિવેણી સંગમ રૂપી આ સંસ્થા દીકરીઓને ધાર્મિક, શારીરિક, બૌદ્ધિક, સામાજિક, તથા સાંસ્કૃતિક વિકાસ થાય તેવી સુંદર કાર્યપ્રણાલી તથા સુચારૂ વહીવટ ટ્રસ્ટીમંડળ, આચાર્યશ્રી, શિક્ષકગણ તથા ગૃહમાતા દ્વારા કરવામાં આવે છે.

સ્વચ્છ રહેણાંક, શુદ્ધ આબોહવા, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર, આધ્યાત્મિક વાતાવરણની સાથે સાથે સુરક્ષિત અને ટેક્નોલોજીથી સુસજ્જ પરિસંકુલમાં દીકરીઓને સ્વંયશિસ્ત સાથેની સ્વાતંત્ર્યતા આપતા શિક્ષણ તેમજ જીવન - કૌશલ્યોના પાઠ અહીં શીખવવામાં આવે છે.

આમ, ઈશ્વરીય કૃપા, પરિશ્રમ, સદભાવના તથા કર્તવ્ય પરાયણતાના ચાર આધાર સ્તંભો પર આ સંસ્થા આજે અડીખમ ઉભી છે અને આપ સૌના સાથ સહકાર દ્વારા અમારી સિદ્ધિ રૂપી પાઘડીમાં યશ કલગીના પીંછા ઉમેરાતા રહેશે તેજ અભ્યર્થના સહ...

"જય શ્રી સ્વામિનારાયણ."